નડિયાદ7 મિનિટ પહેલા
‘ઓટોગ્રાફ પ્લીઝ’ આ બૂમો તમે તો સાંભળી હશે પણ કદાચ નવી જનરેશને આ બૂમ સાંભળી નહી હોય તે સ્વાભાવિક છે. ઓટોગ્રાફ્નો એક સમય હતો જ્યારે રાજકારણી નેતાઓ, ધર્મવડાઓ તેમજ સેલિબ્રિટીઓ જાહેર સ્થળો પર આવે એટલે ટોળેટોળા ઓટોગ્રાફ માટે પડાપડી કરતા હતાં. તેમજ લોકો ઓટોગ્રાફને સાચવી રાખવા ખાસ ઓટોગ્રાફ બુકની ખરીદી કરતા હતા. જોકે, હવે તો ભાગ્યે જ ઓટોગ્રાફ બુક જોવા મળે છે. સ્ટેશનરીના વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે, હાલના યુગમાં ઓટોગ્રાફ બુકની ખરીદી કરનારા ગ્રાહકો ખુબ ઓછા જોવા મળી રહ્યા છે.
ઓટોગ્રાફ લેવાનો એક સમયે ક્રેઝ હતો
ટેકનોલોજી આટલી બધી નહતી. ત્યારે સામાજિક અને યાદગાર પ્રસંગોમા મોટા વ્યક્તિઓ સાથેની મુલાકાતને વધુ યાદગાર બનાવવા ઓટોગ્રાફ લેવાનો એક ક્રેઝ હતો. એક સમયે રાજકિય નેતા, ક્રિકેટર કે ફિલ્મી સ્ટાર જાહેર મંચ પર આવતા ત્યારે ઓટોગ્રાફ લેવા માટે લોકોની લાઈનો લાગતી હતી. તેમજ લોકો ઓટોગ્રાફને સાચવવા માટે ખાસ ડાયરી રાખતા હતા. જોકે, સમયાંતરે આ ક્રેઝ આજે ઓછો થયો છે કારણ કે હાલ ઈન્ટરનેટના યુગમાં લોકો મોબાઇલમાં સેલ્ફી તસ્વીર લેતા થયા છે. જેથી ઓટોગ્રાફની દુનીયાનો સૂરજ આથમ્યો છે. ‘ઓટોગ્રાફ પ્લીઝ’ ની બૂમો પર બ્રેક વાગી અને ‘વન સેલ્ફી પ્લીઝ’ની બૂમો આજે સાંભળવા મળી રહી છે. વિસ્મયરણીય યાદોને ઝાળવી રાખવા માટે વ્યક્તિ પોતાની સાથે રાખી શકે તે હેતુથી ઓટોગ્રાફ એટલે કે સિગ્નેચરની દુનિયા વસી હતી. પરંતુ હાલ જૂજ લોકો જ ઓટોગ્રાફ લઈ રહ્યા છે. આ વચ્ચે ચરોતરમાં પણ આવા ઓટોગ્રાફ શોખીનોને ત્યાં દિવ્ય ભાસ્કર પહોંચી મૂલાકાત લીધી છે.
ઓટોગ્રાફનું મહત્વ એટલુ જ હતું જેટલું આજે સેલ્ફીનું છે
નડિયાદના જૂના અને જાણીતા સિનિયર ફોટોગ્રાફર એવા સ્વ.મનહરભાઈ ચોકસી ઓટોગ્રાફ લેવાના શોખ ધરાવતા હતાં. હાલ તો તે હયાત નથી પરંતુ તેમની દિકરી સિપ્પાબેન ચોક્સીને તે શોખ વારસામાં મળ્યો છે તેમ સિપ્પાબેને દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, તેઓ પોતે ઓટોગ્રાફના ચાહક છે, ઓટોગ્રાફ ભેગા કરવાનો શોખ છે. મારી પાસે 40થી વધુ વ્યક્તિઓના ઓટોગ્રાફ લીધેલા છે. જેમાં ફિલ્મ કલાકારો, રાજનેતાઓ, ક્રિકેટરો તથા અગ્રણીઓ લોકોનાં ઓટોગ્રાફ કલેક્ટ કરેલા છે. આજે યંગ જનરેશનમા ઓટોગ્રાફ શબ્દ સાંભળવો નથી મળી રહ્યો તેઓ પોતાના શોખ મોબાઈલમા સેલ્ફી લઈને પુરા કરે છે. તે સમયે ઓટોગ્રાફનુ મહત્વ એટલુ જ હતું જે આજે સેલ્ફીનું છે.
વર્ષો અગાઉ ઓટોગ્રાફ બૂકનું ખુબ ચલણ હતું
નડિયાદમા સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા અંકુર શાહે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ પોતે આ વ્યવસાય સાથે ઘણાં વર્ષોથી સંકળાયેલા છે. વર્ષો અગાઉ ઓટોગ્રાફ બૂકનું ખુબ ચલણ હતું. પરંતુ હાલ ટેકનોલોજીને કારણે આ ઓટોગ્રાફ બુકનું ચલણ ઘટ્યું છે. અમારે આ ઓટોગ્રાફ બુક વેચવી છે પરંતુ ચાહકો ઓછા મળી રહ્યા છે. જેનુ સ્પષ્ટ કારણ હાલની ટેકનોલોજી એટલે કે મોબાઇલના કારણે ઓટોગ્રાફ બુકને માર પડ્યો છે. હું પણ ઓટોગ્રાફ શોખીન છું, છેલ્લા દસેક વર્ષથી હું વિવિધ ક્ષેત્રોમાં અગ્રણીઓને રૂબરૂ મળી ઓટોગ્રાફ લીધા છે. જેમા ફીલ્મ કલાકાર, ક્રિકેટર રાજનેતાઓ તથા ધર્મગુરુઓના ફોટા સાથે અને સુંદર મેસેજ સાથે ઓટોગ્રાફ લીધા છે. હાલ ઓટોગ્રાફથી પણ વધારે મોબાઇલમાં સેલ્ફી લેવાયેલી તસ્વીરનું વજન પડી રહ્યું છે. જેના કારણે ઓટોગ્રાફના સ્થાને હવે સેલ્ફી તસ્વીરની બોલબાલા વધી રહી છે.
ડાયરી અને પેન લઈને લોકો ઓટોગ્રાફ લેવા માટે લાંબો સમય રાહ જોતા
જાહેર જીવનમાં કોઈ પ્રોગ્રામ કે ઇવેન્ટમાં જ્યારે કોઈ સેલેબ્રીટી, ક્રિકેટરો, રાજકારણી નેતાઓ અથવા તો કોઈ મોટા વ્યક્તિ આવે છે ત્યારે તેના સિગ્નેચર વાળા ઓટોગ્રાફ લેવા એક સમયે પડાપડી થતી હતી. હાથમાં કાગળ અથવા તો ઓટોગ્રાફ ડાયરી અને પેન લઈને ઓટોગ્રાફ માટે લાંબો સમય રાહ જોતા હતા. તો વળી સમય અને સંજોગોના કારણે કાગળ ન હોય તો મૂલાકાતનુ કાયમી સંભારણુ બની રહે તે માટે ખિસ્સામાં મૂકેલા હાથ રૂમાલ પર ફીલ્મી જગતના તેમજ સેલિબ્રિટીના ઓટોગ્રાફ લેવામાં આવતા હતા. કાગળ કે કઈ ન મળે તો બસ, ટ્રેનની ટીકીટ પાછળ પણ છેવટે ઓટોગ્રાફ લેતા અને તેને સાચવીને રાખવામાં આવતી હતી. હવે આ સમય બદલાયો છે કારણ કે હવે ઓટોગ્રાફના સ્થાને મોબાઈલના સેલ્ફી કેમેરા આવ્યા છે.