આણંદ5 કલાક પહેલા
આણંદના નાપાડ વાંટામાં બનેલી વિચિત્ર ઘટના ચર્ચાસ્પદ બની છે. ધામધૂમથી લગ્ન કરવા આવેલા વરરાજા વિદાય સમયે તેમની લક્ઝુરિયસ બીએમડબલ્યુ કાર મંડપ સુધી ન આવતા પિત્તો ગુમાવ્યો હતો અને કન્યા વિદાય સમયે જ કન્યાને પડતી મુકી ચાલતી પકડી હતી. વરરાજાના આવા મિજાજી વર્તનથી હાજર સૌ કોઇ ડઘાઇ ગયાં હતાં અને મોટેરાંઓ વચ્ચે સમજાવટ કરી વરરાજાને વાળવા પ્રયત્ન કર્યો છતાં વરરાજા ટસના મસ થયા નહોતા. જોકે, બે દિવસથી સમાજના અગ્રણીઓ દ્વારા વરપક્ષને સમજાવટનો પ્રયત્ન ચાલી રહ્યાં છે.
આણંદના નાપાડ વાંટા ગામમાં લગ્નપૂર્ણ થયા બાદ વરરાજાએ રાઈ જેવી વાતનો પહાડ કરી દીધો છે. લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ વિદાય સમયે વરને લઈને આવેલી બીએમડબ્લ્યુ કાર મંડપ સુધી કોઇ કારણસર આવી શકતી ન હતી. આથી, વરરાજાએ રાજહઠ પકડી કાર મંડપ સુધી કેમ ન આવે ? આખરે મિજાજ ગુમાવનાર વરરાજા કન્યાને ત્યાંજ છોડીને ચાલતી પકડી અને કન્યાને લીધા વગર જ જાન લીલા તોરણે પાછી ફરી હતી. આ સમગ્ર મામલે પંથકમાં ચકચાર વ્યાપી છે.હાલ આ મામલો જય ભારતી ફાઉન્ડેશન સુધી પહોંચ્યો છે.
આણંદના નાપાડ વાંટા ગામે બે દિવસ પહેલા યોજાયેલા લગ્નમાં વરરાજાના તુંડમિજાજનો પરચો જોવા મળ્યો હતો. બીએમડબલ્યુ કાર લઇને લગ્ન કરવા આવેલા વરરાજાએ તમામ વિધિ પૂર્ણ થયા બાદ કન્યા વિદાય સમયે મંડપ સુધી કાર આવે તેવો હઠાગ્રહ કર્યો હતો. જોકે, વિદાય સમયે મંડપે જવાનો રસ્તો સાંકડો કે ઉબળખાબળ હોવાથી વરરાજાની કાર પહોંચી શકે તેમ ન હોવાનું ડ્રાઇવરે મત વ્યક્ત કર્યો હતો. જેને લઈ સ્થાનિકો અને વરપક્ષ વચ્ચે ગજગ્રાહ થયો હતો.જેમાં વરરાજાનો અહમ ઘવાવાથી તે નવવધૂને લીધા વિના જ જાન લઈ પરત ફર્યો છે. આ કારણે કન્યાની વિદાઈની પરંપરા અટકી છે. આ ઘટના પંથકમાં ભારે ચર્ચાસ્પદ બની હતી.વર અને વધુપક્ષના સામાજિક અગ્રણીઓ આ ઘટનાને લઈ ભારે ચિંતિત છે.આ બનાવમાં સુખદ સમાધાન આવે તેવા પ્રયત્નો કરી રહ્યા છે.પરંતુ હજુ વરપક્ષની નારાજગી દૂર થઈ નથી.
આ અંગે છેલ્લા બે દિવસથી કન્યા પક્ષ દ્વારા ભારતી ફાઉન્ડેશનમાં ન્યાય માટે અરજ કરી છે. જેથી જય ભારતી ફાઉન્ડેશન દ્વારા દીકરીને તેનો પતિ હસતાં મુખે લઈ જાય તેવા પ્રત્યનો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સભ્ય સમાજના લોકો વરરાજાની આ હરકતને વખોડી રહ્યા છે. અને દીકરીને ન્યાય અપાવવા હામ ભરી રહ્યા છે. હાલ દીકરી એકી ટશે તેનો પતિ તેને લેવા આવશે તેવુ રટણ કરી રહી છે.આજે આ ઘટના ને બે દિવસ વીતવા છતાં આ કન્યા કોડ ભરી નજરે પોતાના પતિ ની રાહ જોઈ રહી છે અને તેણે હજુ પણ આશની મીટ માંડી પોતાના હાથે લગ્ન પહેલા બાંધેલ મીંઢળ અને ગળામાં પહેરેલ વરમાળા ઉતારી નથી.સામાજિક ટિકાનો વ્યાપક ભોગ બનવા છતાં વરપક્ષ બાપ વિનાની દીકરીની અને તેના પરિવારની વેદના સમજવા તૈયાર નથી.સાસરે જવાના ઓરતાં લઈ સુખદ સમાધાનની રાહ જોતી નવવધૂના ઓરતાં પુરા થાય તે માટે સમાજના વડીલો સક્રિય બન્યા છે.
જમીન ગીરવે મુકી ભાઈએ બહેનના ધામધૂમથી લગ્ન કરાવ્યાં હતાં
નાપાડ વાંટામાં પિતા ન હોવાથી ભાઈએ જ બહેનના લગ્ન ધામધૂમ પૂર્વક કરવાની જવાબદારી ઉપાડી હતી. આથી, તેણે તેની જમીન પણ ગીરવે મુકી હતી અને તમાકુના પૈસા આવતા કરિયાવર સહિત અન્ય વ્યવસ્થાઓ કરી હતી.વળી જાનમાં આવેલા મહેમાનોની આગતા સ્વાગતામાં કોઇ કસર ન રહે તે માટે છૂટા હાથે નાણાં ખર્ચ્યાં હતાં. જોકે, વરરાજાએ સમગ્ર પ્રસંગને ચિંતાના માહોલમાં પરિવર્તિત કરી દીધું હતું.