ભરૂચ42 મિનિટ પહેલા
અંકલેશ્વર તાલુકાના અમરાતપરા ગામની સીમમાં અમરાવતી નદી કિનારે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ચાલી રહી હતી. આ ભઠ્ઠીઓ પર પોલીસે દરોડા પાડતા પાઈપલાઇનના નેટવર્ક મારફતે દારૂ બનાવાતો કીમિયો ઝડપાયો હતો. પોલીસે સ્થળ પરથી 3 હજાર લીટર વોશનો જથ્થો કબ્જે કરી જથ્થાનો નાશ કર્યો હતો. તેમજ બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે દરોડા પાડતા બુટલેગરોમાં નાસભાગ
અંકલેશ્વર તાલુકાના અમરાતપરા ગામની સીમમાં અમરાવતી નદી કિનારે મોટી માત્રામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડ્યા હતા. જેને લઈ બુટલેગરોમાં નાસભાગ મચી હતી.
નવી પદ્ધતિથી દેશી દારૂ તૈયાર કરવામાં આવતો હતો
નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓ જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી. સ્થળ પરથી દારૂ માટે બનાવાયેલી અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓ અને ભઠ્ઠીઓ ઝડપાઇ હતી. નવી પદ્ધતિથી દેશી દારૂ તૈયાર કરવામાં આવતું હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું. અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓ બનાવી તેમાં પાઇપલાઇન નેટવર્ક મારફતે દારૂ બનાવવામાં આવતો હતો. ત્યારે પોલીસે હજારો લીટર વોશનો જથ્થો ઝડપી નાશ કર્યો હતો.
પોલીસે બે બુટલેગરને ઝડપી પાડ્યા
અમરાવતી નદી કિનારે બે સ્થળોએ દેશી દારૂ બનાવવા વોશનો જથ્થો તૈયાર કરવામાં આવી રહ્યો હોવાની પોલીસને બાતમી મળતા દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 3 હજાર લીટર વોશનો જથ્થો કબ્જે કર્યો હતો અને અમરાતપરા ગામમાં રહેતો બુટલેગર સુંદર ગંભીર વસાવા અને અરવિંદ અંબુ વસાવાને ઝડપી પાડ્યા હતા. જયારે નવા કાસીયા ગામના ભાથીજી મંદિર ફળીયામાં રહેતી મહિલા બુટલેગર સંગીતાબેન બાબુ પાટણવાડિયાના ઘરે દરોડા પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 650 લીટર વોશનો જથ્થો કબ્જે કર્યો હતો. આમ પોલીસે કુલ 7 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.