રાજકોટએક કલાક પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મૂરતિયા નક્કી કરવા ભાજપે પ્રથમ વખત સર્વેનું કામ ખાનગી એજન્સીને સોંપ્યું છે. તટસ્થ રીતે સાચા ઉમેદવાર મળે તે માટેની આ કવાયત વિશે રાજકોટ દક્ષિણના MLA ગોવિંદ પટેલે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાત કરી હતી. આ સર્વેમાં ભાજપ કઈ રીતે MLAના કામના આધારે 1થી 10નું માર્કિંગ કરીને ઉપર રિપોર્ટ મોકલશે તે વિગતો તેમણે જણાવી હતી. આ રીતે આગામી ચૂંટણીમાં ઘણે ઠેકાણે નવો ચહેરો પણ જોવા મળી શકે છે. સર્વે થઈ જાય તેના અઠવાડિયા પછી તો સ્થાનિક MLAને ખબર પડે કે સર્વેવાળા આવી ગયા. રાજકોટમાં ચારેય બેઠક પર સર્વે થઈ ગયો છે. એક ટીમમાં 20થી 25 વ્યક્તિ હોય છે, જે પાનના ગલ્લાવાળા, ધોબી, સલૂન ચલાવનારા અને ગૃહિણીઓને મળી રિપોર્ટ બનાવે છે. આ સર્વે ટીમમાં એક પણ ગુજરાતી નથી, બધા હિન્દીભાષી હતા.
સર્વે પુરો થયે જ મોવડી મંડળને રિપોર્ટ અપાશે
ભાજપની ચૂંટણી તૈયારી વિશે ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, લોકોના પ્રશ્નો અને કાર્યક્રમ માટે ભાજપ કાર્યકર્તાને સતત મેદાનમાં રાખે છે. ગુજરાત ભાજપમાં પ્રથમ વખત 3 દિવસનું વેકેશન જાહેર કર્યું છે. પરંતુ બીજી તરફ સર્વે માટે અને સિનિયર નેતાઓની ટીમ તૈયાર કરી છે. ઉનાળાના ધોમધખતા તાપમાં પણ સિનિયર નેતાઓ ગામેગામ બેઠક કરી સમીક્ષા કરી રહ્યા છે. ભાજપના તમામ ધારાસભ્યોને તેના પરફોર્મન્સ પર 1થી 10 માર્ક આપવામાં આવશે. ધારાસભ્યોની જીતવાની શક્યતા અંગેનો સર્વે પુરો થતા જ રિપોર્ટ પક્ષના મોવડી મંડળને આપવામાં આવશે.
સર્વેમાં ભાજપના ધારાસભ્યોને 1થી 10નું માર્કિંગ
ખાનગી એજન્સી દ્વારા થતા આ સર્વેમાં ભાજપના MLAની કામગીરી અને સરકારી કામગીરીનું રેન્કિંગ થશે. એક બાદ એક બેઠકના 2017ના પરિણામોને પણ સર્વેમાં આવરી લેવાયું છે. ભાજપને મળેલી લીડ અથવા ખાધની પણ સર્વેમાં નોંધ છે. MLAના કામ, જ્ઞાતિના સમીકરણો અને અન્ય મુદ્દાઓને પણ સર્વેમાં ટાંકવામાં આવી રહ્યા છે. ભાજપને એક ડર છે કે એન્ટી ઇન્કમબન્સી ચૂંટણીના સમયે સપાટી પર આવી શકે છે. આ મુદ્દો ધ્યાનમાં ન લેવાય તો તે વિરોધમાં જઇ શકે છે. બીજી તરફ પક્ષની ચિંતા એ પણ છે કે ચાલુ વર્ષે ગુજરાતમાં અપૂરતા વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે પણ ચૂંટણીમાં અસર કરી શકે છે.
નેતૃત્વ પરિવર્તન બાદ પણ સંગઠન વધુ એક્શનમાં રહ્યું
રાજ્યમાં ટેકાના ભાવમાં એકપણ ગુણી ઘઉંની ખરીદીની ન આવી અને ખેડૂતોને ખુલ્લા બજારમાં ઉંચા ભાવ મળ્યા તે એક સૌથી મોટી રાહત છે. પરંતુ જો ચોમાસુ અધૂરું રહે તો શું તે ચિંતા પણ ભાજપ કરશે તેવા સંકેત છે. સુત્રોના જણાવ્યા મુજબ હાલ તો પક્ષે તેની ચિંતા વર્તમાન ધારાસભ્યોના પરફોર્મન્સની છે. ઉપરાંત પક્ષ જે રીતે ગત સપ્ટેમ્બરમાં નો-રિપીટ થિયરી સાથે મુખ્યમંત્રી અને સમગ્ર મંત્રીમંડળને બદલી નાખ્યું તે પછી પણ સરકારની કામગીરીની અસરકારકતા ફિલ્ડમાં જોવા મળી નથી એ વાસ્તવિકતા છે. ભાજપ ચૂંટણીમાં તમામ આધાર સંગઠન પર જ રાખે છે અને સંગઠનની સક્રિયતા સતત રહી છે.
આપ અને કોંગ્રેસને હળવાશથી લેવાઇ શકે તેમ નથી
મહત્વનું એ છે કે, આ ચૂંટણીમાં કોંગ્રેસનો જ મુકાબલો કરવાનો નથી, પરંતુ આમ આદમી પાટીનો મુકાબલો કરવાનો છે. આપનું ચિત્ર કેવું હશે તે હજુ નિશ્ચિત નથી. સુત્રોના જણાવ્યા મુજબ ભાજપ તેના 50 ટકાથી વધુ ધારાસભ્યોને પડતા મુકી શકે છે. પરંતુ તેમાં પણ પક્ષને એ જોવું પડશે કે જે ધારાસભ્યની ટિકિટ કપાય છે અથવા જે ખમતીધર નેતાઓને પક્ષ ટિકિટ આપશે નહીં તે અન્ય પક્ષને મદદ કરવા જઇ શકે છે કે કેમ? ભાજપના સુત્રોના જણાવ્યા મુજબ હાલમાં તો પ્રાથમિક સરવે કરવામાં આવી રહ્યો છે અને દરેક ચૂંટણી સમયે ભાજપ આ પ્રકારે સરવે કરતું હોય છે.
જિલ્લાવાઇઝ બેઠકો પર ડેટા ખાનગી એજન્સી મેળવશે
પ્રથમ વખત પક્ષે હવે વિવિધ સમુદાયના લોકો, વેપારી સંગઠનો અને આમ આદમીમાંથી પણ ફીડબેક મેળવવાનું શરુ કર્યું છે. જેમાં એક તરફ સરકારના કામકાજ અને બીજી તરફ ધારાસભ્યની કામગીરી બંનેને જોવામાં આવી રહ્યું છે. તેમાં જે-તે બેઠકને 1થી 10માં માર્કિંગ કરશે અને તે મુજબ બેઠક ભાજપ જીતી શકે છે કે કેમ અથવા કેટલા માર્જિનથી જીતી શકે છે તે પણ જોવા પ્રયત્ન કરશે. એક વખત આ સરવે પુરો થયા બાદ ઉત્તરપ્રદેશની જેમ પક્ષ જે-તે બેઠક માટેના સમીકરણો ચકાસશે અને ત્યારબાદ પક્ષ દ્વારા ઓક્ટોબરમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે.