ગાંધીનગર23 મિનિટ પહેલા
ગુજરાત સહિતના રાજ્યોમાં નોકરી તેમજ લોન આપવાની લાલચ આપી ઓનલાઇન ફ્રોડ આચરી રૂપિયા ખંખેરી લેવાના આંતર રાજ્ય રેકેટનો ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગાઝીયાબાદમાં 10 લાખની વસ્તીવાળા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરીને સાયબર ક્રાઇમને અંજામ આપનાર મુખ્ય સૂત્રધારને ઝડપી પાડી 80 આધાર કાર્ડ, 13 ચૂંટણી કાર્ડ, 61 ચેકબૂક તેમજ 64 એટીએમ કાર્ડ, 12 મોબાઇલ અને 27 સીમકાર્ડ સહિતનો મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં વધતા જતાં સાયબર ક્રાઇમના ગુના સંદર્ભે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરી પરિણામલક્ષી કામગીરી કરવા માટે રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા તરુણકુમાર દુગ્ગલ દ્વારા મળેલી સૂચનાનાં પગલે એલસીબી પીઆઈ જે. એચ. સિંધવે ચીલોડા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાની તપાસ આરંભી હતી. જે સાયબર એક્ટના ગુનામાં ફરિયાદીને હોસ્પિટલમાં નોકરીનાં બહાને 30 હજાર 500 ટ્રાન્સ્ફર કરાવી લેવામાં આવ્યા હતા.
આથી એસીબીના કોન્સ્ટેબલ પ્રવીણસિંહ જીતેન્દ્રસિંહે ટેકનીકલ રીતે ઈમેલ આઈડી, મોબાઇલ નંબરો તેમજ બેંક ડિટેઇલનું પૃથક્કરણ કરવામાં આવતાં આખું નેટવર્ક ગાઝીયાબાદનાં ખોડા કોલોનીથી ઓપરેટ થઈ રહ્યું છે. જેનાં પગલે એક ટીમને ગાઝીયાબાદ રવાના કરીને ઉક્ત ટેકનિકલ સોર્સ ઉપર નજર રાખવામાં આવી હતી. ત્યારે એસીબીની ટીમ દ્વારા ગાઝીયાબાદનાં ખોડા કોલોનીનાં 12 કિલો મીટરના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ હાથ ધરી મુખ્ય સૂત્રધાર હીરાલાલ તુરંતલાલ મેંહીલાલ દાસ (રહે. આર.સી 360, વંદના ઇન્કલેવ, ખોડા કોલોની) ને ઉઠાવી લેવામાં આવ્યો હતો.
જેની પાસેથી સંખ્યા બંધ એ.ટી.એમ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, મોબાઈલ ફોન, મોબાઈલના સીમ કાર્ડ, ચેકબુક, પાસબુક સહીતના દસ્તાવેજોનો જથ્થો પણ જપ્ત કરી ગાંધીનગરમાં એલસીબી પીઆઈ સિંધવ સામે લાવવામાં આવ્યો હતો. જેમની આકરી પૂછતાંછમાં હીરાલાલ ભાંગી પડ્યો હતો અને આખા નેટવર્કની મોડસ ઓપરેન્ડી વર્ણવી હતી. આ અંગે ડીવાયએસપી એમ જે સોલંકીએ જણાવ્યું હતું કે, હીરાલાલ તેની આસપાસના વિસ્તારમાં રહેતાં ગરીબ વર્ગના લોકોને લોનની લાલચ આપી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા પુરાવા મેળવી મોબાઈલના સીમ કાર્ડ ખરીદી લેતો હતો.
બાદમાં એજ દસ્તાવેજોથી બેંક એકાઉન્ટ ખોલાવી ઘણા જરૂરિયાત મંદ લોકોના નામે ભાડાની દુકાન ખોલી જીએસટી નંબર પણ મેળવી લીધા હતા. અને તેના આધારે કરંટ એકાઉન્ટ ખોલાવી જરૂરિયાત મંદ લોકોના ખાતામાં સેલરી જમા કરાવી અલગ અલગ લોકોના નામે બેંકમાંથી લોન મેળવીને બેંક સાથે પણ છેતરપિંડી આચરી છે. તેમજ તેના ફોટા વાળું ખોટું આધાર કાર્ડ પાન કાર્ડ થી બેંકમાં એકાઉન્ટ હોવાની પણ હકીકત બહાર આવી છે.
હીરાલાલ પાસેથી મળી આવેલા ફોન તેમજ સીમકાર્ડ મારફતે તે અલગ અલગ હોસ્પિટલ ના કર્મચારીઓ તેમજ અન્ય વિભાગના લોકોને ફોન કરીને નોકરીની લાલચ આપી અલગ અલગ બેંક એકાઉન્ટ નંબરમાં રૂપિયા ટ્રાન્સ્ફર કરાવી છેતરપિંડી આચરતો હતો. જેનાં માટે 90 જેટલા અલગ અલગ ઈમેલ આઇડીનો ઉપયોગ કરતો હતો.