ભરૂચ7 કલાક પહેલા
ભરૂચ એસ.ઓ.જી પોલીસે ભરૂચ નેશનલ હાઇવે ઉપર પાલેજની એક હોટલ પાસેના ત્રણ રસ્તા નજીકથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે અમદાવાદના એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલા પાલેજની હોટલના ત્રણ રસ્તા નજીક એક ઈસમ ગાંજાનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસ સ્ટાફ પાલેજ ગામ તરફ જવાના માર્ગ ઉપર વોચમાં હતો. આ દરમિયાન બાતમી વાળો ઈસમ આવતા તેને અટકાવી તેની પાસે રહેલા થેલામાં તપાસ કરતા તેમાંથી પાંચ પેકેટ મળી આવ્યા હતા. પોલીસે પેકેટમાં જોતા તેમાંથી 10 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અમદાવાદના શાહપુરના મહેરાબખાનના ટેકરા ખાતે રહેતો મોહંમદ સાહિલ મોયુદ્દીન શેખને ઝડપી પાડ્યો હતો. ગાંજાના જથ્થા અંગે પુછપરછ કરતા તે જથ્થો કામરેજથી રાજુ નામના ઈસમ પાસેથી વેચાણ અર્થે લાવ્યો હોવાનું જણાવ્યું હતું.