ગીર સોમનાથ24 મિનિટ પહેલા
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના અનેક ગામોમાં સરકારી ખરાબા અને ગૌચરની જમીનમાંથી ગેરકાયદેસર ખનીજ ખનન પ્રવૃત્તિ કરી જવાબદાર ખાણ ખનીજ વિભાગ અને સ્થાનીક પોલીસની મીઠી નજર તળે ચાલી રહ્યાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. એવા સમયે ફરી ગતરાત્રીના એએસપી ઓમપ્રકાશ જાટએ ચુનંદા સ્ટાફ સાથે સુત્રાપાડાના આનંદપુર ગામએ દરોડા પાડી સરકારી જમીનમાંથી ખનીજ ચોરી સાથે રોયલ્ટી પાસના દુર ઉપયોગના રેકેટનો પર્દાફાશ કરતાં ખનીજ માફિયાઓ સહિત ભ્રષ્ટ ખાણ ખનીજ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કોંભાડમાં આરોપીઓની કોલ ડીટેઇલ કઢાવવામાં આવે તો સ્થાનીક પોલીકની સંડોવણી બહાર આવવાની વ્યાપક ચર્ચા પોલીસબેડા સાથે પંથકમાં શરૂ થઇ છે. ત્યારે આ બાબતે ઉચ્ચ પોલીસ અઘિકારીઓ તપાસ કરશે કે કેમ તે જોવું રહેશે.
ખનીજનો વિપુલ જથ્થો ઘરાવતા ગીર સોમનાથ જીલ્લામાં જવાબદાર તમામ તંત્રની મીઠી નજર હેઠળ દિવસ-રાત ગેરકાયદે ખનીજ ખનન કરી કરોડોનો કાળો કારોબાર કરતા ખનીજમાફીયાઓ સામે ખાણ ખનીજ તંત્ર વામણું પુરવાર થતી હોવાની ચર્ચાને ફરી પોલીસે કાર્યવાહી કરી સાબિત કર્યુ છે. ત્યારે ખનીજ ચોરી રેકેટના પર્દાફાશ અંગે એએસપી ઓમપ્રકાશ જાટેએ માહિતી આપતા જણાવેલ કે, પોલીસને મળેલ ચોકકસ બાતમીના આધારે જીલ્લાના સુત્રાપાડા તાલુકાના આનંદપુર ગામ નજીક લાઇમ સ્ટોન ભરેલ ટ્રકને ઝડપી પાડેલ હતો. જેના ડ્રાઇવરની આગવી ઢબે પુછપરછ કરતા ખનીજ ચોરીના રેકેટનો ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. જેમાં સુત્રાપાડાના આનંદપુર ગામની સરકારી ગૌચરની જમીનમાંથી ઉંબરી ગામના નિલેશ છાત્રોડીયા તથા વિરોદર ગામના રમેશ છાત્રોડીયા દ્વારા આણંદપરાના પરેશ નારણ સોલંકીના જેસીબી મશીન દ્વારા ખોદાકામ કરી ગેરકાયદેસર ખનીજ ખનન કરી ઘંટીયા ચોકડી પર આવેલ શિવ વે બ્રીજ ખાતે વજનકાંટો કરાવી જામનગર જિલ્લાના જામજોધપુરના રોયલ્ટી પાસનો ઉપયોગ કરી અલગ અલગ વાહનો મારફતે જાફરાબાદ ખાતે અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીમાં મોકલી સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનીજ ખનન કરવાની સાથે ખનીજ ચોરીનું સુઆયોજિત નેટવર્ક ચલાવી રહેલ હતા.
આ મામલે હાલ પોલીસે ગેરકાયદેસર લાઇમ સ્ટોન ભરેલ ટ્રક ટાટા 3718 હેવી ડમ્ફર રજી.નં જીજે 32-ટી-4795 ને સીઝ કરી ખાણ ખનીજ વિભાગને હવાલે કરેલ છે. જામનગરના જામજોધપુર ગામના લીઝ હોલ્ડર પ્રકાશભાઇ જેઠાલાલ ઠાકોર માલકવાડાના નામની રોયલ્ટી પાસના ગેરકાયદેસર ઉપયોગ અંગે કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી છે. આ પદાફાશ મામલે ભુસ્તરશાસ્ત્રીને આગળની કાર્યવાહી કરવા અંગે રીપોર્ટ કરવામાં આવેલ છે. ગેરકાયદેસર ખનીજ ખનન અને રોયલ્ટી પાસના કોંભાડ અંગે પોલીસે કરેલ પર્દાફાશના પગલે ખનીજ ચોરોમાં ફફડાટ પ્રસરી ગયેલ છે.
સ્થાનીક પોલીસની સંડોવણી હોવાની વ્યાપક ચર્ચાએ
એસપીએ કરેલ પર્દાફાશ અંગે આનંદપુરમાં ચાલતા ખનન કોંભાડમાં સામે આવેલા આરોપીઓની કોલ ડીટેઇલની ઉંડાણપુર્વક તટસ્થ તપાસ કરવામાં આવશે તો સ્થાનીક પોલીસના ચોકકસ લોકોની સીઘી સંડોવણી બહાર આવશે તેવી પોલીસબેડા સાથે પંથકમાં જોરશોરથી ચર્ચા થઇ રહી છે. ત્યારે આ ચર્ચા અંગે જીલ્લા ઉચ્ચ પોલીસ અઘિકારી તપાસ કરાવશે કે કેમ તે જોવું રહેશે. તો એએસપીની કડક કાર્યવાહી બાદ આ પ્રકારનું જ રોયલ્ટી કોંભાડ જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ જીલ્લાના ઉના, ગીરગઢડા સહિતના પંથકોમાં પણ થતુ હોવાની વ્યાપક વાતો લોકોમાંથી ચર્ચાયને બહાર આવી રહી છે.