આણંદ42 મિનિટ પહેલા
પેટલાદ અને સોજિત્રા માધ્યમિક શાળોઓના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીમાં 1996થી 2021 સુધી રહેલા મંત્રીએ 64.69 લાખની ઉચાપત કરી હોવાનું ઓડિટમાં ખુલતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે ચેરમેને સોજિત્રા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પેટલાદ અને સોજિત્રા માધ્યમિક શાળાઓના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની મંત્રી ઇશ્વરભાઈ કાન્તીભાઈ પટેલ (રહે.ઘનશ્યામ સોસાયટી, નડિયાદ)એ 24મી જૂન, 1996માં સ્થાપના કરી હતી. આ મંડળીમાં માધ્યમિક હાઈસ્કૂલના શિક્ષકો સભાસદ બની તેઓની માસિક ફરજીયાત બચત દર મહિને મંડળીમાં જમા કરાવતાં હતાં અને આ મંડળીમાં જમા થયેલા નાણાનો સભાસદોને લોન પેટે ધિરાણ પણ કરવામાં આવે છે. આ મંડળીનું રેકર્ડ મંત્રી ઇશ્વર કાન્તીભાઈ પટેલ નિભાવતાં હતાં. જે પેટલી હાઈસ્કૂલમાં પ્રિન્સીપાલ તરીકે નોકરી કરતાં હતાં. આ મંડળીમાં 2016થી ચેરમેન તરીકે પેટલાદની એન.કે. હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય જયેશ રણછોડભાઈ પટેલ (રહે.પાળજ)એ ચાર્જ સંભાળ્યો હતો. જોકે, ચાર્જ સંભાળવા સાથે મંડળીમાં કેટલીક નાણાકીય ગેરરીતિ જણાઇ હતી. આથી, ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો હતો. જેમાં જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા ઓડિટ કરાતાં ઇશ્વર પટેલે રૂ.59,70,740ની હંગામી અને રૂ.4,98,765ની કાયમી ઉચાપત કરી હોવાનું ખુલ્યું હતું.
આ અંગે જયેશભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઇશ્વર પટેલે પોતાના અંગત ફાયદા માટે રૂ.64,69,505ની ઉચાપત કરી હતી. તેમાંથી 58,70,000 ટુકડે ટુકડે જમા કરાવ્યાં હતાં. આમ તેઓએ 59,70,740ની હંગામી અને 4,98,765ની કાયમી ઉચાપત કરી હતી. જોકે, ઇશ્વર પટેલે બાકીના રૂ.5,99,505 ચેક દ્વારા મંડળીમાં જમા કરાવ્યાં હતાં.
ઇશ્વરભાઈ હાલ અમેરિકા છે
પેટલાદ અને સોજિત્રા માધ્યમિક શાળાઓના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના મંત્રી ઇશ્વરભાઈ પટેલ જે તે વખતે પેટલી હાઈસ્કૂલમાં પ્રિન્સીપાલ હતાં. જોકે, હાલ તેઓ અમેરિકા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.