વડોદરા15 મિનિટ પહેલા
વડુ પોલીસ સ્ટેશન
મને જોરથી પેશાબ લાગી છે મને બહાર કાઢોની દુષ્કર્મના આરોપીએ જોરશોરથી બૂમો પાડતા પોલીસે તેને લોકઅપ બહાર કાઢ્યો હતો. જો કે ગત રાત્રે સગીરા પર દુષ્કર્મના કેસનો આરોપી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી છે. વડોદરા જિલ્લાના વડુ પોલીસ સ્ટેશનના બનાવથી ચકચાર મચી છે.
વડોદરા શહેરમાંથી છોટાઉદેપુર પોલીસના જાપ્તામાંથી શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની ફરાર થયાની ઘટના તાજી છે. ત્યાં હવે જિલ્લાના વડુ પોલીસ સ્ટેશનમાં સગીરા પર દુષ્કર્મના કેસનો આરોપી ફરાર થઇ જતાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ગત રાત્રે વડુ પોલીસ મથકમાં આરોપી અક્ષય ઠાકોરભાઇ બારીયા (રહે. નવીનગરી, ગામ. કુરાલ, તા.પાદરા, જિલ્લા. વડોદરા)ને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ દરમિયાન બુધવાર મોડી રાત્રે લોકઅપમાંથી બૂમો પાડી હતી કે મને જોરથી પેશાબ લાગી છે મને બહાર કાઢો.
જેથી પોલીસકર્મીઓ તેને ટોયલેટમાં લઇ જઇ લોકઅપમાં પરત લાવી રહ્યા હતા અને લોકઅપનો દરવાજો ખોલતા હતા. ત્યાં જ આરોપી અક્ષય બારિયા દોડીને પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી ગયો હતો. પોલીસકર્મીઓ પણ તેની પાછળ દોડ્યા પણ અક્ષય અંધારોનો લાભ લઇને ફરાર થઇ ગયો હતો. જેથી આ મામલે વડુ પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.