અમદાવાદ4 કલાક પહેલા
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદના વટવા ગામમાં પારિજાત હાઈટ્સ નામના ફ્લેટની સ્કીમમાં સાંજના સમયે 12 વર્ષની બાળકી ગાર્ડનમાં રમી રહી હતી. આ સમયે ગાર્ડનમાં ભરેલા પાણીમાં બાળકનો પગ પડ્યો હતો. પાણીમાં ઈલેક્ટ્રિકનો વાયર ચાલુ કરંટ સાથેનો છેડો હોવાથી પાણીમાં વીજળીનો કરંટ પ્રસરાયેલો હતો. જેના કારણે બાળકીને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.
વટવા ગામમાં પારિજાત હાઈટ્સ નામનાં ફ્લેટની સ્કીમ આવેલી છે, જ્યા 7 મેનાં રોજ સાંજનાં સમયે ઈશીકા દિપકભાઈ રાવલ નામની 12 વર્ષની બાળકી ફ્લેટનાં ગાર્ડનમાં રમી રહી હતી. ગાર્ડનમાં પાણી ભરેલું હોવાથી બાળકીનો પગ પાણીમાં પડ્યો હતો. આ પાણીમાં ઈલેક્ટ્રિક વાયરની ચાલુ લાઈનનો છેડો હોવાથી પાણીમાં વીજળીનો કરંટ પ્રસરાયેલો હતો. કરંટ બાળકીને લાગતા તેણે બૂમાબૂમ કરી હતી.
બાળકીની ચીસો સાંભળીને આસપાસનાં લોકો એકઠા થયા હતા અને બાળકીને આ સ્થળેથી દૂર કરી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીને તાત્કાલિક એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તબીબીઓ પ્રાથમિક તપાસમાં બાળકીને કરંટ લાગતા તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ટોરેન્ટ પાવર અને એફએસએલનાં અધિકારીઓને સાથે રાખી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં બિલ્ડર દ્વારા ફ્લેટના મકાનોની વાયરીંગની લાઈનની એમસીબીને બાયપાસ કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તમામ ફ્લેટની તમામ લાઈટ બંઘ કરી દેવામાં આવી હતી. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોત દાખલ કરી હતી છે.